શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
આશ્રમશાળાની દીવાલોમાં દરિંદગી! ડાંગમાં દીકરીની આબરૂ પર સત્તાનો નખ:
શિક્ષણના નામે નરકલીલા! સગીર પર દુષ્કર્મથી ડાંગ જિલ્લો ધ્રુજ્યો:
દિનકર બંગાળ, આહવા : આદિવાસી દીકરીઓના ભવિષ્યની દીવાદાંડી ગણાતી ડાંગ જિલ્લાની આહવામાં આવેલી ‘ડાંગ સ્વરાજ આશ્રમશાળા’ આજે વિશ્વાસઘાત, વિકૃતિ અને વહેમભંગનું પ્રતિક બની ગઈ છે. શિક્ષણ અને સંસ્કારની પવિત્રતા પાછળ છુપાયેલી નરાધમતા હવે બહાર આવી છે. આશ્રમશાળાની જ દીવાલોમાં ૧૫ વર્ષીય સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાતાં સમગ્ર ડાંગ જિલ્લો સન્નાટામાં ગરકાવ થઈ ગયો છે.
આશ્રમશાળાની મહિલા પ્રમુખ જાગૃતિબેન નાયકના પતિ પ્રફુલભાઈ નાયક સામે સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યાનો ગંભીર અને કંપારી છૂટી જાય એવો આરોપ નોંધાયો છે. જે સંસ્થાને વાલીઓ પોતાની દીકરીઓ માટે સુરક્ષાનો કિલ્લો માનીને સોંપે છે, એ જ કિલ્લો દીકરીઓ માટે ખતરનાક પાંજરું બની ગયો હોવાનો આક્ષેપ શિક્ષણ જગત માટે કાળું કલંક છે.
ફરિયાદમાં થયેલા ખુલાસા મુજબ, આશરે સાતથી આઠ દિવસ પહેલાં આશ્રમશાળામાં અન્ય વિદ્યાર્થિનીઓ સાફ-સફાઈના કામમાં વ્યસ્ત હતી ત્યારે આ શેતાની કાવતરું રચાયું હતું. આશ્રમમાં રસોઈનું કામ કરતી સોનલબેન નામની મહિલાએ ભોગ બનનાર સગીરાને “રસોડામાં કામ છે” એવી લાલચ અને વિશ્વાસ આપીને અલગ બોલાવી હતી. ત્યારબાદ પાણીના ગ્લાસમાં નશીલી કે કેફી વસ્તુ ભેળવી તેને પીવડાવવામાં આવી હતી.
નશાની અસરથી સગીરા અર્ધબેભાન, નિરાધાર અને લાચાર બની ગઈ હતી. આ જ ક્ષણને તક બનાવી આરોપી પ્રફુલભાઈ નાયક તેને પોતાના રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં માનવતાને શરમાવે એવું હીન અને અમાનવીય કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઘટનાએ માત્ર એક પરિવાર નહીં, પરંતુ સમગ્ર સમાજના અંતરાત્માને હચમચાવી દીધો છે.
ઘટનાની જાણ થતાં જ પીડિત બાળકીના પરિવારજનો, આદિવાસી સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોમાં જ્વાળામુખી સમાન રોષ ફાટી નીકળ્યો છે. “જો આશ્રમશાળા પણ સલામત ન હોય તો દીકરીઓ ક્યાં જશે?” એવો કરુણ અને આક્રોશભર્યો પ્રશ્ન આજે ડાંગના ખૂણે-ખૂણે ગૂંજી રહ્યો છે. આરોપીઓ સામે કડકમાં કડક, દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર બની છે.
મામલાની ગંભીરતા સમજી આહવા પોલીસે તાત્કાલિક હરકતમાં આવી કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આરોપી પ્રફુલભાઈ નાયક અને સહઆરોપી રસોઈણ સોનલબેન સામે પોક્સો (POCSO) એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીડિત વિદ્યાર્થિનીનું મેડિકલ પરીક્ષણ કરાવી તેની સાક્ષી નોંધવાની પ્રક્રિયા ઝડપી ગતિએ આગળ ધપાવવામાં આવી રહી છે.
સંચાલક મંડળ સાથે જોડાયેલા વગદાર વ્યક્તિની સંડોવણી હોવા છતાં કાયદો સત્તાના દબાણ સામે ઝૂકશે નહીં અને દોષિતોને કોઈપણ ભોગે છોડવામાં નહીં આવે એવો દાવો પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલો તપાસની આગમાં સળગી રહ્યો છે અને ડાંગ જિલ્લામાં તણાવ, આક્રોશ અને અસંતોષની ઘેરી લાગણી છવાઈ ગઈ છે.

