શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
વાંસદા તાલુકામાં ગુંજ્યો સંગઠનનો નાદ, સુખાબારી બન્યું હિન્દુ એકતાનું કેન્દ્રબિંદુ:
સુખાબારી ખાતે પીપલખેડ મંડળનું હિન્દુ સંમેલન યોજાયું, ૧૨૦૦થી વધુ લોકોની ઉપસ્થિતિ:
કમલેશ ગાંવિત, વાંસદા: વાંસદા તાલુકાના સુખાબારી ગામે પીપલખેડ મંડળના સુવ્યવસ્થિત આયોજન હેઠળ હિન્દુ સંમેલન ભવ્યતા અને ભક્તિભાવ સાથે યોજાયું હતું. મંડળ હેઠળ આવતાં ૧૦ ગામોમાંથી આશરે ૧૨૦૦થી વધુ હિન્દુ ભાઈઓ-બહેનોની ઉમટી પડેલી હાજરીએ કાર્યક્રમને લોકઉત્સવનું રૂપ આપ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ સુખાબારીના પવિત્ર રાધા-કૃષ્ણ મંદિરે આરતી સાથે થયો હતો, જ્યાં ભક્તિરસથી ઓતપ્રોત વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ મહેમાનો અને ગ્રામજનોને સુખાબારી ડેરીના હોલ ખાતે આવકારવામાં આવ્યા હતા. ભારતમાતાને પુષ્પાંજલિ અર્પણ કરી મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને કાર્યક્રમને વિધિવત્ શરૂઆત આપવામાં આવી.
સુખાબારી ગામની દિકરીઓએ હાર્દિક સ્વાગત ગીત રજૂ કરી સૌનું મન જીતી લીધું હતું. વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો, લોકનૃત્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમોએ ઉપસ્થિતોમાં નવચેતના અને ઉત્સાહનો સંચાર કર્યો હતો.
સમાજિક કાર્યકર શ્રી વિજયભાઈએ પોતાના સંબોધનમાં સમાજના તમામ પંથોને ભેદભાવ છોડીને એકતાના મજબૂત સૂત્રમાં બંધાવાનું આહવાન કર્યું હતું. બિસ્તુભાઈ ચૌધરી, બિપીનભાઈ થોરાટ અને દશરથ ભોયાએ પણ સમાજમાં સમરસતા, સહકાર અને સંગઠનશક્તિની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવસારી વિભાગ સહસેવા પ્રમુખ શ્રી ગજેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંઘના ‘પંચ પરિવર્તન’ના અભિગમ પર વિગતવાર પ્રકાશ પાડતાં સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ૧૦૦વર્ષની પ્રેરણાદાયી ગાથા રજૂ કરી હતી. તેમણે રાષ્ટ્રનિર્માણમાં સંઘની ભૂમિકા અને સમાજસેવાના વિવિધ આયામોની માહિતગાર સમજણ આપી હતી.
આ પ્રસંગે સુખાબારી ડેરીના પ્રમુખ રમીલાબેન, સુખાબારી ગામના સરપંચ, કંસરિયા ગામના સરપંચ દિલીપભાઈ તેમજ ચીમનભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કાર્યવાહ શ્રી ભાવેશભાઈ પટેલે ઉષ્માભર્યું સ્વાગત પ્રવચન આપી કાર્યક્રમને ગતિ અને ગૌરવ આપ્યું હતું.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી સંજય મોરેએ અવિરત પરિશ્રમ કર્યો હતો. ઉપરાંત પીપલખેડના શ્રી કિરણભાઈ, કાંતિભાઈ અને વિજયભાઈ સહિત કાર્યકરોએ સમર્પિત ભાવથી મહેનત કરી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
હિન્દુ સંમેલન દ્વારા સમાજમાં એકતા, સંસ્કાર અને સંગઠનની નવી ઉર્જા પ્રગટ થઈ હોવાનું ઉપસ્થિતોએ સંતોષ અને ગૌરવ સાથે વ્યક્ત કર્યું હતું.

