Site icon Gramin Today

વ્યારા સ્થિત કેવીકે ખાતે ૧૯મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની ઓનલાઈન બેઠક યોજાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાએ જિલ્લાના અંતરિયાળ ગામોમાં કૃષિની નવિન ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચાડી”:
-ડૉ. ઝેડ. પી. પટેલ, કુલપતિ, નવસારી કૃષિ યુનિવર્સિટી
…………….
વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૧૯મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની ઓનલાઈન બેઠક યોજાઇ હતી:

 વ્યારા-તાપી: તાપી જિલ્લામાં વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તાજેતરમાં ૧૯મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિતિની બેઠકના અધ્યક્ષ સ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ, ઝેડ. પી. પટેલ, ઉપસ્થિત રહયા હતાં. બેઠકમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડયાએ ઉપસ્થિત સર્વેસભ્યોને આવકારી ગત વર્ષ જાન્યુઆરી થી ડિસેમ્બર, ૨૦૨૧ દરમ્યાન કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રવૃતિઓ જેવી કે તાલીમ કાર્યક્રમો, અગ્રિમ હરોળ નિદર્શન, ઓન ફાર્મ ટેસ્ટીંગ, કેવીકે ફાર્મના નિદર્શન યુનિટ, ઈનોવેટિવ કામગીરી, સફળ વાર્તા તેમજ આગામી વર્ષમાં કરવામાં આવનાર વિવિધ પ્રવૃતિઓનું આયોજન અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું.
બેઠક દરમ્યાન ન. કૃ. યુ., નવસારીના કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાની કામગીરીને બિરદાવી જણાવ્યુ હતું કે, જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં પણ ખેડૂતો સુધી કૃષિ અંગેની વિવિધ વૈજ્ઞાનિક ટેકનોલોજીને કેન્દ્રના વૈજ્ઞાનિકો ખુબ જ સરાહનીય રીતે પહોચાડી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લા પ્રશાસનના સહયોગથી ખેડૂતોનાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા બાબતે ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો જે સારી બાબત છે. વધુમાં તેમણે કેન્દ્ર દ્વારા આદિવાસી મહિલાઓ માટે કરવામાં આવેલ આવક ઉપાર્જનની પ્રવૃતિઓ જેવી કે આયુર્વેદિક કેશતેલ, મશરૂમની ખેતી,અળસિયાનું ખાતર, ઈકો-ફ્રેંડલી/ગણેશમૂર્તિ/ક્રાફ્ટ આર્ટીકલ્સને પ્રોત્સાહન આપ્યું હતું. અંતે તેમણે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી સૌ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેના ઉપર ભાર મુક્યો હતો.
આ બેઠકમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. સી. કે. ટીંબડીયાએ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ ઈનોવેટીવ કામગીરી માટે વૈજ્ઞાનિકોની ટીમ અને પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા અને ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતપેદાશોની માર્કેટીંગની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું. સી.એસ.આર.આઈ, ICAR, ભરૂચના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. અનિલ.સી., ન.કૃ.યુ. નવસારીના સંશોધન વૈજ્ઞાનિક ડૉ. ટી.આર.અહલાવત, ન.કૃ.યુ. નવસારીના અન્ય વૈજ્ઞાનિકો, તાપી જિલ્લાના ખેતીવાડી અધિકારી સતીષ ગામીત, આત્મા-તાપીના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી. આર. ચૌધરી, નાયબ પશુપાલન નિયામક ડૉ. બ્રિજેશ શાહ, તાપી જિલ્લા રજીસ્ટ્રાર એચ. આર. પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના, સર્વે વૈજ્ઞાનિકો નાબાર્ડ તથા અન્ય સંસ્થાના અધિકારીશ્રીઓ, ખેડૂતો/મહિલાઓ વિગેરે મળી કુલ ૨૨ સભ્યો ઓનલાઇન બેઠકમાં ઉપસ્થિત રહયા હતાં. બેઠકના અંતે કેન્દ્રના ગુહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોની એ આભાર વિધિ કરી હતી.

Exit mobile version