Site icon Gramin Today

વ્યારા ખાતે તાપી જિલ્લા મેઘા આદિવાસી મહિલા ખેતી ઉત્પાદક સહકારી મંડળી લિ.ની આઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઇ: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

વ્યારા ખાતે તાપી જિલ્લા મેઘા આદિવાસી મહિલા ખેતી ઉત્પાદક સહકારી મંડળી લિ.ની આઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઇ: 

વ્યારા : તાપી જિલ્લાના વ્યારા મુખ્ય મથકે આવેલ સરિતાનગર હોલ ખાતે તાપી જિલ્લા મેઘા આદિવાસી મહિલા ખેતી ઉત્પાદક સહકારી મંડળી લિ.ની આઠમી વાર્ષિક સાધારણ સભા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને તથા તાપી જિલ્લા મેઘા આદિવાસી મહિલા ખેતી ઉત્પાદક સહકારી મંડળી લિ.ના પ્રમુખ લત્તાબેન ગામીત ઉપસ્થિતીમાં યોજાઇ હતી.

 આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ જણાવ્યું હતું કે, આ મંડળની મોટા ભાગના બહેનો સખી મંડળ સાથે જોડાયેલ છે. છેલ્લા 8 વર્ષથી સંસ્થા ખુબ સારૂ કાર્ય કરી રહી છે. આ સંસ્થા સાથે જોડાઇ સરકારની વિવિધ યોજનાનો લાભ લઇ બહેનોને આગળ વધે તેવો અનુરોધ કર્યો હતો.

 આઇસીડીએસ વિભાગના પોગ્રામ ઓફિસર તન્વી પટેલે ઉપસ્થિત તમામ બહેનોને કુપોષણને દુર કરવા સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ જેવી કે પોષણ સુધા યોજના, મુખ્યમંત્રી માતૃવંદના યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કુપોષણ દુર કરવા સૌ બહેનોને ઘરે બનતી વિવિધ લીલી શાકભાજીઓ, દૂધ, કઠોળ, જેવા વિવિધ આરોગ્યપ્રદ ખોરાકો લેવા જણાવ્યું હતુ.

 તાપી જિલ્લા મેઘા આદિવાસી મહિલા ખેતી ઉત્પાદક સહકારી મંડળી લિ.ના સંચાલક મંડળ પ્રમુખ શ્રીએ મંડળીની પ્રવૃત્તિઓ અંગેનો વાર્ષિક અહેવાલ તથા હિસાબી પત્રકો રજુ કરી સહુના સાથ-સહકારથી મંડળીએ આઠ વર્ષ પૂરા કર્યા છે એમ જણાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

 વધુમાં તેમણે જણાવ્યું હતું કે મેધા સહકારી મંડળી તેના સભ્યો માટે રોજગારી અને આવક ઊભી કરે છે. આ મંડળીના સંચાલક, ઉત્પાદક, અને માલિક શ્રમજીવી બહેનો છે. તાપી જિલ્લામાં બહેનો દ્વારા સેવા યુનિયનમાં ૨૦૧૦ થી શ્રમજીવી બહેનોનું સંગઠન કરવાનું શરૂ કર્યું જેમાં આજે ૭૦૦૦ ખેડૂત બહેનો જોડાયેલા છે.

 આજની આઠમી વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખની વરણી કરવા બાબત, ગત વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી વંચાણે લઈ બહાલી રાખવા બાબત, સને ૨૦૨૧ -૨૦૨૨ ના વર્ષની કામગીરી રિપોર્ટ વંચાણે લેવા બાબત, સને ૨૦૨૧ -૨૦૨૨ ના વર્ષના વાર્ષિક હિસાબો વંચાણે લઈ મંજુર કરવા બાબત, સને ૨૦૨૨-૨૦૨૩ ના વર્ષ માટે આંતરિક ઓડીટરની નિમણુક કરવા બાબત,૨૦૨૨-૨૦૨૩ ના વર્ષનું મંડળી ના વાર્ષિક આયોજન વંચાણે લઇ મંજુર કરવા બાબત અહેવાલો રજુ કરવામાં આવ્યા હતા.

 આ પ્રસંગે ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસીયા, ચીફ મેનેજર બેંક ઓફ બરોડા વિનયભાઇ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લાના અંતરિયાળ ગામોના મહિલા ખેડુત સભાસદ બહેનો હાજર રહ્યા હતા.

Exit mobile version