Site icon Gramin Today

ચણાના પાકમાં લીલી ઈયળનું સંકલિત વ્યવસ્થાપન અંગે સુચનો: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ,  દિનકર બંગાળ

ચણાના પાકમાં લીલી ઈયળનું સંકલિત વ્યવસ્થાપન અંગે સુચનો: 

વઘઈ: ચણાના પાકમાં આ પ્રકારની ખાઉધરી ઇયળ પાકમા પોપટા બેસે ત્યારે વધુ નુકશાન કરે છે. ઈયળના પાછળના ભાગે આંગળી મુકી ધીરેથી દબાવવાથી ઈયળ તરત જ કરડવા માટે આગળી તરફ ઝાટકા સાથે વળે તો સમજવું કે લીલી ઈયળ છે. આ ઈયળનો ઉપદ્રવ ચણા પાકમાં ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં વધુ જોવા મળે છે.

સંકલિત નિયંત્રણના પગલાં:
૧) ચણાના પાકમાં ધાણા, રાઈ જેવા આંતર પાક તરીકે વાવેતર કરવું.
ર) ચણાના પાકમાં ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે પિંજર પાક તરીકે ગલગોટાનું વાવેતર કરવાથી લીલી ઇયળની માદા ફૂંદી ગલગોટા તરફ આકર્ષાઇને ત્યાં ઈંડા મૂકે છે. જેથી ઈંડા મુકાયેલા ફુલ ચુંટી લેવા અથવા તેના પર દવાના છંટકાવ કરવો.
૩) પાક ઉગ્યા બાદ ૫ દિવસે હેક્ટર દીઠ ૨૦ ફેરોમેન ટ્રેપ છોડથી ૧ ફૂટ ઉંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યુર દર ૨૧ દિવસે બદલવી. ખેતરમાં જ્યાં લાઇટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઇપણ જંતુનાશક ૧ થી ૨ ટીંપા નાખવા.જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફૂંદીઓ પાણીમાં પડતા તેનો નાશ થશે.
૪) પક્ષીઓને ઈયળ શોધવામાં સરળતા રહે, તે માટે ઉભાં પાકમાં અગ્રેજી ટી (T) આકારના પક્ષીઓને બેસવાના ટેકા હેકટરે ૪૦-પ૦ ની સંખ્યામાં છોડથી ૩ ફૂટ ઉંચાઇએ મુકવા.
પ) લીંબોળીનાં મીંજનું પ ટકા દ્વાવણ (પ૦૦ ગ્રામ મીંજનો પાવડર ૧૦ લિટર પાણીમાં) નાં ર થી ૩ છંટકાવ કરવાથી લીલી ઈયળનું અસરકારક નિયંત્રણ મળે છે. લીમડા આધારિત તૈયાર કીટાનાશક ૧૦ મિ.લિ.(૫ ઇસી) અથવા નફ્ફટીયાના પાનનો ૫૦૦ ગ્રામનો અથવા અરડૂસીના પાનનો ૫૦૦ ગ્રામ અર્ક અથવા બેસીલસ થુરીન્જીન્સીસ ૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના ૧ ડબલ્યુપી ૪૦ ગ્રામ અથવા એનપીવી ૨૫૦ એલઇ ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક સાધવા જણાવાયુ છે.

Exit mobile version