શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
આહવા તાલુકાના પિપલઘોડી ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ અપાઈ:
દિનકર બંગાળ, આહવા: ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના તમામ ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી રહી છે જેમાં આજરોજ આહવા તાલુકાના પિપલઘોડી ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં કૃષિ સખીબહેને દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી તૈયાર થતા જીવામૃત અને બીજામૃતના ઉપયોગ અંગે માહિતી આપી હતી.
વધુમાં જીવામૃત જમીનમાં અળસિયા તથા ઉપયોગી સૂક્ષ્મજીવોની સંખ્યા વધારી જમીનની ગુણવત્તામાં વધારો કરે છે. વધુમાં પ્રાકૃતિક ખેતીનો સમન્વય અપનાવવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, પર્યાવરણનું સંરક્ષણ થાય છે તેમજ ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેમની આવકમાં વધારો શક્ય બને છે.
વરસાદને કારણે જમીનનું ધોવાણ અટકાવવા તથા ભેજનું સંરક્ષણ કરવા માટે પાકના અવશેષો દ્વારા આચ્છાદન (મલ્ચિંગ) કરવાની પદ્ધતિ વિશે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પદ્ધતિ જમીનમાં ભેજ જાળવી રાખવાની સાથે નીંદણ નિયંત્રણમાં પણ અસરકારક સાબિત થાય છે. આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરે અને લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા જાળવી રાખે તે માટેનો હતો.

