શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
દારૂની હેરાફેરી કરતા તત્વો સામે ડાંગ એલસીબીની કડક કાર્યવાહી, કાર-બાઇક સહિત રૂ.૭.૪૪ લાખનો મુદ્દામાલ કબજે:
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ દ્વારા આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે જિલ્લામાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે સુબીર પોલીસ મથક વિસ્તારમાં દરોડો પાડી દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુબીર પોલીસ મથકની હદમાં આવેલા ગવ્હાણ ગામના બારીપાડા ફળિયામાં રહેતા સુરેશ રેવા દેસાઈના ઘરે સ્વિફ્ટ કાર મારફતે કેટલાક શખ્સો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો લાવી ઘરમાં સંતાડી રહ્યા છે.
બાતમીને આધારે એલસીબી ટીમે પંચોના માણસોને સાથે રાખી તાત્કાલિક ગવ્હાણ ગામના બારીપાડા ફળિયામાં સુરેશભાઈ દેસાઈના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ચાર ઇસમો પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે રંગેહાથ મળી આવ્યા હતા.
પોલીસે ઘરની અંદર તેમજ બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ કારની તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ.ની બોટલો, બીયરના ટીન તેમજ દેશી દારૂની ટેન્ગો પંચની બોટલો મળી આવી હતી.
આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી એક સ્વિફ્ટ કાર, બે બાઇક, ત્રણ મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૭,૪૪,૩૫૫ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી ચારેય આરોપીઓને અટક કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછ દરમિયાન આ પ્રોહિબિશનના ગુનામાં દારૂનો જથ્થો પૂરો પાડનાર, ભરી આપનાર તેમજ મંગાવનાર સહિત અન્ય આઠ ઇસમોની સંડોવણી સામે આવી હતી. પરિણામે કુલ ૧૨ આરોપીઓ વિરુદ્ધ સુબીર પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડાંગ એલસીબીની આ કાર્યવાહીને પગલે જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.

