શ્રોત: ગ્રામિણ ટુડે ન્યૂઝ ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ એલ.સી.બી.ની ગર્જના: અઢી વર્ષથી પોલીસને ચકમો આપતી આંતરરાજ્ય “ચામઠા ગેંગ”ની કમર તૂટી
રાજસ્થાનમાં ફિલ્મી ઢબે પીછો કર્યા બાદ બે રીઢા આરોપીઓને LCB ડાંગના સકંજામાં :
દિનકર બંગાળ, ડાંગ: ગુનાખોરી સામે કોઈ બાંધછોડ નહીં – આ સ્પષ્ટ સંદેશ સાથે ડાંગ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)એ એક એવી ધાક બેસાડતી કાર્યવાહી કરી છે કે ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા અઢી વર્ષથી ગુજરાત–રાજસ્થાન વચ્ચે ફરી ફરી ઘરફોડ ચોરી કરી પોલીસ માટે માથાનો દુખાવો બનેલી કુખ્યાત આંતરરાજ્ય “ચામઠા ગેંગ”ના બે રીઢા આરોપીઓને એલ.સી.બી. ડાંગે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી ઝડપી પાડી મોટી સફળતા હાંસલ કરી છે.
ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં નોંધાયેલા કુલ પાંચ ગંભીર ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં સંડોવાયેલા આ આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS)ની કડક સૂચનાઓ અનુસાર તથા ડાંગ–આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટ અને તેમની કુશળ ટીમે માનવીય તેમજ ટેકનિકલ ઇનપુટના આધારે ચોક્કસ બાતમી મેળવી કાર્યવાહીનો પ્લાન ઘડ્યો હતો.
બાતમી મુજબ સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હાનો મુખ્ય આરોપી લાલજી શિવાજી નટ (રહે. કાબ્જા ગામ, તા. સાબલા, જી. ડુંગરપુર – રાજસ્થાન) પોતાના વતન ગામે હાજર હોવાનું જાણવા મળતાં જ એલ.સી.બી.ની ટીમે ખાનગી વાહન સહિત સરકારી સાધનો સાથે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કાબ્જા ગામે ધડાકાભેર છાપો માર્યો હતો.
રેડ દરમિયાન આરોપી ડબલ સવારી સાથે મોટરસાયકલ પર નાસી જવાનો પ્રયાસ કરતાં જ એલ.સી.બી.ની ટીમે હિંમત અને સ્ફૂર્તિનો પરિચય આપતા લગભગ ૨૦ કિલોમીટર સુધી શ્વાસ અટકાવી દે એવો ફિલ્મી પીછો કર્યો અને અંતે આરોપીને દબોચી લીધો. તપાસ દરમ્યાન તેની સાથે રહેલો અન્ય વ્યક્તિ તેની બનેવી સુદર્શન ઉર્ફે સુરેશ ચંદુ ચામઠા (ઉંમર ૪૧ વર્ષ, રહે. ગરાડુ, ઠળીયા દેવ ફળીયા, તા. ઝાલોદ, જી. દાહોદ) હોવાનું બહાર આવ્યું હતું.
કડક પુછપરછમાં બન્ને આરોપીઓ તૂટી પડ્યા અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કરેલી અનેક ઘરફોડ ચોરીની ગુનાખોરી કબૂલ કરી. તેમની પાસેથી મોબાઇલ ફોન તથા રોકડ મળી કુલ રૂ. ૨૮,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન તથા ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ઘરફોડ ચોરી કર્યાની ચોંકાવનારી કબૂલાત સામે આવી છે.
આગળની કાયદેસર કાર્યવાહી માટે બન્ને આરોપીઓને સાપુતારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે અને પાટણ તથા ગાંધીનગર જિલ્લા પોલીસને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી છે. ડાંગ એલ.સી.બી.ની આ ગાજવીજ કાર્યવાહીથી ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા ગુનેગારોમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે સામાન્ય નાગરિકોમાં પોલીસ તંત્ર પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થયો છે.

