શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ પત્રકાર: રામુભાઈ માહલા
મિશન મંગલમ્ યોજનાને કારણે ‘આત્મનિર્ભર’ બનતી સાવરદા ગામની આદિવાસી યુવતિઓ :
આહવા: ગળાકાપ સ્પર્ધાત્મક માહોલ વચ્ચે માધ્યમિક શિક્ષણ પણ માંડ પુરૂ કરી શકેલી, ડાંગ જિલ્લાના સાવરદા જેવા અંતરિયાળ વિસ્તારની યુવતિઓ, ‘મિશન મંગલમ’ જેવી યોજનાના સહારે ‘આત્મનિર્ભર’ બની ઘર આંગણે રોજગારી મેળવતી થઈ છે, તેમ સુબિર તાલુકાના સાવરદા ગામના કિંજલ સખી મંડળના રવિના ગાવિતે જણાવ્યું હતું.
ગત વર્ષે જ ગામની દસ જેટલી યુવતિઓએ એકત્ર થઈ સખી મંડળની રચના કરી હતી. તુરત જ તેમણે શિવણકામની તાલીમ સહિત મશરૂમ ઉત્પાદન, અને નાગલી પાપડ બનાવવાની તાલીમથી સજ્જ થઈ, ગામડા ગામમાં શિવણકામ સાથે અન્ય જરૂરિયાતમંદ બહેનોને શિવણની તાલીમ આપવાનું પણ આ શરૂ કરતા, અહીં નવી પ્રવૃત્તિના શ્રીગણેશ થવા પામ્યા છે.
બ્લાઉઝ અને ડ્રેસ સિવવા સાથે તેના કાપડનું વેચાણ કરી મહિને દાડે અંતરિયાળ વિસ્તારની આદિવાસી યુવતિઓ, દસ બાર હજાર રૂપિયા આરામ થી કમાઈ રહી છે તેમ જણાવતા રવિના ગાવિતે કહ્યું હતું કે, બચત અને ધિરાણની પ્રવૃત્તિઓ સાથે શરૂ કરેલા મંડળને, સુબિર તાલુકા પંચાયત તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ જરૂરી તાલીમ અને માર્ગદર્શન પૂરુ પાડી સશક્ત બાનવ્યું છે. જેના કારણે સ્વયંની રોજીરોટી માટે ચિંતિત બહેનો, અન્ય યુવતિઓને તાલીમ અને રોજગારી પુરી પાડવા માટે પણ સક્ષમ બની છે.
ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં આવા ૧૧૧૬ જેટલા સખી મંડળો, અને ૬૬ સખી સંઘો ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે, તેમ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના ડાંગ જિલ્લાના ડીસ્ટ્રીકટ મેનેજર શ્રી રમેશ પાતલિયાએ જણાવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ, અને નિયામક શ્રી શિવાજી તાબિયાડના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાની ગ્રામીણ મહિલાઓ, બચત અને ધિરાણ પ્રવૃત્તિઓની સાથે સાથે અનેકવિધ આર્થિક ઉપર્જનના કાર્યમાં જોડાઈને, સાચા અર્થમાં ‘આત્મનિર્ભર’ બની છે. જે સ્થળાંતર જેવા પ્રશ્ને ઝઝુમી રહેલા ડાંગ જિલ્લાની પૂર્વપટ્ટીના આ વિસ્તાર માટે ખૂબ જ આશીર્વાદરૂપ પુરવાર થઈ રહ્યું છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. કિંજલ સખી મંડળના રવિના ગાવિતનો સંપર્ક નંબર : ૯૪૨૮૦ ૩૨૬૬૯ છે.