Site icon Gramin Today

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને રાષ્ટ્રિય પોષણ માસની ઉજવણી અંતર્ગત શ્રીઅન્ન (મિલેટ) વાનગી સ્પર્ધા યોજાઇ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા (તાપી) દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને રાષ્ટ્રિય પોષણ માસની ઉજવણી અંતર્ગત શ્રીઅન્ન (મિલેટ) વાનગી સ્પર્ધા યોજાઇ: 
નાગલી, જુવાર, બાજરી, કોદરી, ભગર અને સાથે વિવિધ પ્રકારની ભાજી, સરગવો, મશરૂમ, કઠોળનો ઉપયોગ કરી ટ્રેડિશનલ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી

તાપી: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ. તાપી અને સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૩ની ઉજવણી અંતર્ગત સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન, ગુણસદા ખાતે શ્રીઅન્ન (પોષક અનાજ) વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોનગઢ તાલુકાના વિવિધ ગામની કુલ ૪૬ આદિવાસી મહિલાઓ અને ૧૫ અધિકારીઓ મળી કુલ ૬૧ ભાઇઓ અને મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.

વાનગી સ્પર્ધામાં કુલ ૧૬ આદિવાસી મહિલાઓએ ભાગ લઇ વિવિધ મિલેટનો ઉપયોગ કરી પૌષ્ટિક વાનગીઓ બનાવી પ્રદર્શિત કરી હતી. જેમાં આદિવાસી મહિલાઓ દ્વારા નાગલી, જુવાર, બાજરી, કોદરી, ભગર અને સાથે વિવિધ પ્રકારની ભાજી, સરગવો, મશરૂમ, કઠોળનો ઉપયોગ કરી ટ્રેડિશનલ ડીશ, લાડુ, સુખડી, શીરો, કાંજી, વડા, મુઠિયા, સ્વીટ ડિશ, રોટલા, કઠોળ, ભાજી-કઠોળનું શાક, મશરૂમનું શાક, દેશી ચટણી વગેરે પૌષ્ટિક વાનગી બનાવવામાં આવી હતી.

કાર્યક્રમનાં અધ્યક્ષ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડયાએ વાનગી સ્પર્ધામાં ભાગ લીધેલ સર્વે મહિલાઓને અભિનંદન પાઠવી આહારમાં વધુમાં વધુ મિલેટનો ઉપયોગ કરવા માટે ભાર મુક્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી ડો. જયશ્રીબેન ચૌધરી, જિલ્લા આયુર્વેદ અધિકારી, તાપીએ ઉપસ્થિત મહિલાઓને મિલેટની વિવિધ વાનગીઓ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો.આરતી એન. સોનીએ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને રાષ્ટ્રીય પોષણ માસનું મહત્વ સમજાવી મિલેટનું માનવ સ્વાસ્થ્યમાં વિશેષ મહત્વ વિશે માર્ગદર્શન આપી કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને પોષણ શપથ લેવડાવી હતી. કેન્દ્રના વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયાએ સજીવ ખેતી પર ભાર મુકતા નોવેલ ઓર્ગેનિક ન્યુટ્રીઅન્ટ, સ્યુડોમોનાસના ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

મિલેટ વાનગી સ્પર્ધામાં વિજેતા મહિલાઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઇનામ તરીકે નોવેલ ઓર્ગેનિક ન્યુટ્રીઅન્ટ, સ્યુડોમોનાસ, શાકભાજીના ધરૂ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના વડા શ્રી મધુકર વર્મા, મહિલા ક્લબ પ્રમુખ શ્રીમતિ રેણુ વર્મા, શ્રી જિતેન્દ્ર પાલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા વાનગી સ્પર્ધામાં ભાગ લીધેલ સર્વે મહિલાઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં અંતે, સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના શ્રી જિતેન્દ્ર પાલએ આભારવિધિ આટોપી હતી.

પત્રકાર: કીર્તન ગામીત , તાપી 

Exit mobile version